રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને શનિવારે રાત્રે 3 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મંગળવારે સવાર સુધી વરસ્યો હતો. રાજકોટમાં ગત રાત્રિના 12 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તેમજ બે અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી છે. રાજ્યમાં સોમવારે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યા બાદ મંગળવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ રહી હતી. આજે સવારે 6 વાગ્યાથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેરમાં વહેલી સવારે ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડી ગયો છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રંગમતી નદી ઓવરફ્લો થઈ ગઈ છે જેના કારણે નદીના પટમાં યોજાયેલા મેળામાં પૂરના પાણી ફરી વળતા છકડોલ સંચાલકોના જીવ અધ્ધર થઈ ગયા છે. આગામી 31મી ઓગસ્ટ સુધી દ્વાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.