હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. વિભાગના નિષ્ણાત રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 24 કલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થવાને કારણે, વરસાદી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધીનો ટ્રફ અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે પીળો એલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
જ્યારે પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા-ઉદેપુર, ભરૂચ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.