હવામાન વિભાગે સાંજે 4 વાગ્યાથી ત્રણ કલાક માટે ન્યૂકાસ્ટ બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે.
બનાસકાંઠાના લાખણી તાલુકામાં આભા ફાટવાને કારણે મુશ્કેલી સર્જાઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને ભારે નુકસાન થયું છે. મુશળધાર વરસાદને કારણે બાજરી, જુવાર અને મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા ખેડૂતોનો પાયમાલ થવાનો વારો આવ્યો છે. પાકનું વાવેતર કર્યા બાદ ખેડૂતો મેઘમહેરની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મેઘકહેરના કારણે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે. ગુજરાતના ચારેય ઝોનમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં મેઘરાજા મહેરબાન થશે. ગુજરાતમાં આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી 3 જુલાઇ સુધીમાં સરેરાશ 7 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
મુશળધાર વરસાદના કારણે પોરબંદરના ઘેડ પંથકમાં પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી મધુવંતી નદીમાં નવા પાણી આવ્યા છે. જેથી માધવપુર સહિત આજુબાજુના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ધેડ પંથકના ગામમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ દરિયામાં વહી રહ્યો છે. દર વર્ષે ઘેડ પંથકમાં ઉપરવાસમાં વરસાદને કારણે પાણી ભરાઈ જાય છે. ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઘરમાં પાણી ફરી વળવાને કારણે ઘરમાં રહેલ સામાનને પણ નુકશાન થાય છે.