ટ્રેનમાં મુસાફરી કરતા લાખો રેલવે મુસાફરો માટે રેલવેએ નવી સુવિધા શરૂ કરી છે. હવે રેલ્વે યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમની મનપસંદ રેસ્ટોરન્ટમાંથી માત્ર ફૂડ જ મંગાવી શકે એવું નહીં, પરંતુ જો તેઓ ઈચ્છે તો ઘરે બનાવેલું ખાવાનું મંગાવીને ખાઈ પણ શકશે. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘરે બનાવેલું ભોજન ઓનલાઈન ઓર્ડર કરી શકે છે.
માત્ર 75 રૂપિયામાં ઘરે બનાવેલું ભોજન મળશે
રેલ્વે મુસાફરો હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘરે બનાવેલું ભોજન મંગાવી શકશે. આ માટે તમારે માત્ર 75 રૂપિયા ચૂકવવા પડશે. આ માટેની એક એપ ટૂંક સમયમાં રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ એપ દ્વારા યાત્રીઓ ઘરેથી બનાવેલું ભોજન મંગાવી શકે છે અને તેને ટ્રેનમાં ડિલિવરી કરાવી શકે છે. હાલમાં ટ્રેનમાં ભોજન IRCTC અથવા તેની સાથે સંકળાયેલી રેસ્ટોરાં દ્વારા સપ્લાય કરવામાં આવે છે. હવે આ કડીમાં ઘરના બનાવેલા ભોજનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
શું છે IRCTCની તૈયારી?
રેલવેના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 19 સ્વ-સહાય જૂથો અને 4200 ટિફિન સેવા પૂરી પાડતા ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સેવાની શરૂઆતમાં, મહિલા સ્વ-સહાય જૂથો, વ્યક્તિઓ અને ખાસ કરીને ઘરની માતાઓ, વિધવાઓ અને અલગ થયેલી મહિલાઓને સામેલ કરવામાં આવી છે. રેલવેએ આ સેવાના પ્રથમ તબક્કામાં 179 સ્ટેશન ઉમેર્યા છે.
જમવાનું કેવી રીતે બુક કરવું
આ સેવાનો લાભ ફક્ત એપ દ્વારા જ મળશે. તમારે તમારા ફોનમાં એપ ડાઉનલોડ કરવાની રહેશે. તમારે ઓછામાં ઓછા 4 કલાક પહેલા જમવાનું બુક કરાવવું પડશે. જો તમે 12 કલાક પહેલા ફૂડ બુક કરાવો છો, તો તમને તમારી મનપસંદ વાનગી પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે. તમે તમારો ઓર્ડર બુક કરતાની સાથે જ તમારે પેમેન્ટ કરવું પડશે. ચુકવણી કર્યા પછી ભોજન તૈયાર કરીને રેલવે વિભાગના IRCTC કેન્દ્રોમાં પહોંચાડવામાં આવશે. ટ્રેન નંબર, પેસેન્જરની પીએનઆર વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતી પેકેટ પર હાજર રહેશે. IRCTC કેન્દ્રોમાંથી મુસાફરોને ભોજન પહોંચાડવામાં આવશે.