ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ કહ્યું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં 100 લોકોના મોત થયા છે. વાસ્તવમાં, ઇઝરાયલે એરસ્ટ્રાઇક દ્વારા એક શાળાને નિશાન બનાવી હતી, જેમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલનો દાવો છે કે આ હમાસનું કમાન્ડ સેન્ટર હતું. એક ટેલિગ્રામ પોસ્ટમાં ઘટનાની વિગતો આપતા ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તા મહમૂદ બસ્સલે કહ્યું કે આ એક ભયંકર નરસંહાર છે, હુમલા બાદ ડઝનેક મૃતદેહોમાં આગ લાગી ગઈ હતી. ઈઝરાયેલે કહ્યું છે કે તેણે હમાસના કમાન્ડ સેન્ટરને તોડી પાડ્યું છે. ઘટના બાદથી સિવિલ એજન્સીના લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. જેથી હુમલામાં ઘાયલોને બચાવી શકાય.
ઈઝરાયેલી સેનાએ શનિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે હમાસના આતંકવાદીઓ દ્વારા સંચાલિત અલ-તાબીન સ્કૂલમાં ચાલતા હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ પહેલા ગુરુવારે ઈઝરાયલે ગાઝા શહેરમાં બે શાળાઓને નિશાન બનાવી હતી, જેમાં 18 લોકો માર્યા ગયા હતા. ત્યારે પણ ઇઝરાયલે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કરવાની વાત કરી હતી.
ઑક્ટોબર 7, 2023 ના હુમલા પછી, ઇઝરાયેલે ગાઝામાં વિનાશ વેર્યો છે. AFP અનુસાર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 1,198 લોકો માર્યા ગયા છે. આ લોકોમાં મોટા ભાગના નાગરિકો છે. જોકે હમાસે 251 ઈઝરાયેલ લોકોને બંધક બનાવ્યા હતા, પરંતુ 111 લોકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે બંધકોમાંથી 39ના મોત થયા છે.
હમાસ દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા શહેરમાં 39,699 લોકોના મોત થયા છે. જોકે, હમાસે નાગરિકો અને આતંકવાદીઓની વિગતો જાહેર કરી નથી.
60 હજાર પેલેસ્ટિનિયન નાગરિકોની હિજરત
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા ફ્લોરનેશિયા સોટો નીનોએ કહ્યું કે શુક્રવાર સુધીમાં ઓછામાં ઓછા 60,000 પેલેસ્ટિનિયન ખાન યુનિસના પશ્ચિમ વિસ્તારમાં ભાગી ગયા હતા. વાસ્તવમાં શુક્રવારે ઈઝરાયેલે કહ્યું હતું કે તે ખાન યુનિસ વિસ્તારમાં ઓપરેશન ચલાવી રહ્યું છે. ખાન યુનિસ એ ગાઝા શહેરનો દક્ષિણ ભાગ છે, જ્યાંથી ઇઝરાયેલી દળોએ એપ્રિલમાં પીછેહઠ કરી હતી.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં ઘણા દેશો આડકતરી રીતે કૂદી પડ્યા છે. ઈરાન સમર્થિત લડવૈયાઓ પણ ઈઝરાયેલ સામે મોરચો ખોલી રહ્યા છે. હમાસના ટોચના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે.