રાજકોટમાં બપોર બાદ ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોની આકરી ગરમી બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રવિવાર હોવાથી શહેરમાં લોકો વરસાદની મજા માણી રહ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે જગતનો તાત ચિંતિત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ ભારે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન હજુ યથાવત રહેશે. ત્યાર બાદ લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદ પડતાં માર્ગો પર પાણી વહી ગયા હતા. બીજી તરફ ખેતરોમાં મગફળી, કપાસ સહિતના તૈયાર પાકને નુકશાન થતાં ખેડૂતોની દિવાળી બગડી છે.