આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તેમના ચૂંટણી વચનને પૂર્ણ કરવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે મતદારોને ઓછી કિંમતે સારી ગુણવત્તાનો દારૂ આપવાનું વચન આપ્યું હતું. ચૂંટણી સમયે આપેલા વચનો પૂરા કરવા માટે ચંદ્રબાબુ નાયડુએ દારૂની દુકાનોના લાયસન્સ માટે નવી નીતિ તૈયાર કરી છે. હવે કઇ વ્યક્તિને દારૂની દુકાનનું લાયસન્સ મળશે, તે લોટરી દ્વારા નક્કી કરવામાં આવશે. દારૂની દુકાનોને સરકારીમાંથી ખાનગીમાં ફેરવવામાં આવશે.
એનટીઆર જિલ્લાના ડીએમ ડૉ. જી. સૃજનાએ જણાવ્યું હતું કે 113 દારૂની દુકાનો માટે 5,825 અરજીઓ મળી છે, જેમાંથી અરજદારોની પસંદગી લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. કેટલાક અનામત ઉમેદવારો એવા પણ રાખવામાં આવશે કે જો કોઈ પસંદ કરાયેલ ઉમેદવાર ઔપચારિકતાઓ પૂર્ણ નહીં કરે તો અનામત ઉમેદવારને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ધ હિંદુના એક રિપોર્ટ અનુસાર નવી લિકર પોલિસી હેઠળ, આંધ્ર પ્રદેશમાં લોકો માત્ર 99 રૂપિયામાં કોઈપણ બ્રાન્ડની 180 મિલી દારૂનું પેક ખરીદી શકશે. નવી લિકર પોલિસી દારૂની ગુણવત્તા, જથ્થા અને પોષણક્ષમતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. લોટરી પદ્ધતિથી પણ દારૂની દુકાનોને બે વર્ષ માટે લાયસન્સ મળશે.
લાઇસન્સ મેળવવા માટે લોકોએ 2 લાખ રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે અને આ રકમ રિફંડપાત્ર નથી. આંધ્રપ્રદેશમાં લોકો સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દારૂ ખરીદી શકશે. લાયસન્સ ફીની વાત કરીએ તો તેના માટે ચાર સ્લેબ બનાવવામાં આવ્યા છે. ફી 50 લાખથી 85 લાખ રૂપિયા સુધીની છે. તમામ દારૂની દુકાનોમાંથી 10 ટકા તાડી વિક્રેતાઓ માટે અનામત રાખવામાં આવશે. આંધ્ર પ્રદેશમાં દારૂ માટે 15 પ્રીમિયમ શોપ ખોલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તમામ પ્રીમિયમ દુકાનોને પાંચ વર્ષ માટે લાયસન્સ આપવામાં આવશે. આ સિવાય જે દારૂની દુકાનો ચલાવે છે તેમને વેચાણના 20 ટકા નફા તરીકે મળશે.