લોકસભા ચૂંટણી 2024માં દેશભરમાં 24 મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 26 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. જ્યારે 2014માં 23 મુસ્લિમ ઉમેદવારો હતા. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં 78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે ગત ચૂંટણીમાં વિવિધ પક્ષોએ 115 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહરમપુરથી અને કોંગ્રેસના ઉમેદવાર રકીબુલ હુસૈન આસામના ધુબરીથી જીત્યા છે. હુસૈનની જીત મતોની દૃષ્ટિએ ખૂબ જ આશ્ચર્યજનક હતી. તેમણે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ રિપબ્લિકન ફ્રન્ટ (AIUDF)ના સુપ્રીમો બદરુદ્દીન અજમલને રેકોર્ડ 10,12,476 મતોથી હરાવ્યા. રાજ્યમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નાયબ નેતા હુસૈનને 14,71,885 મત મળ્યા, જ્યારે સતત ચોથી વખત આ બેઠક જીતવાનું લક્ષ્ય રાખનારા અજમલને 4,59,409 મત મળ્યા.
યુસુફ પઠાણે અધીર રંજનને હરાવ્યા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બહરમપુર લોકસભા મતવિસ્તારમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા યુસુફ પઠાણે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને 85,022 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદ ઉત્તર પ્રદેશના સહારનપુરથી 64,542 મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે કૈરાનામાંથી 29 વર્ષીય સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર ઇકરા ચૌધરીએ ભાજપના પ્રદીપ કુમારને 69,116 મતોથી હરાવ્યા હતા.
સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર અફઝલ અન્સારીએ ગાઝીપુર લોકસભા સીટ પરથી બીજેપીના પારસનાથ રાયને હરાવ્યા હતા. અંસારીએ રાયને 1,24,861 મતોના માર્જિનથી હરાવ્યા. સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાએ 4,81,503 મતો મેળવીને રામપુર બેઠક જીતી હતી, જ્યારે ઝિયા ઉર રહેમાન 1.2 લાખ મતોના માર્જિનથી સંભલ જીત્યા હતા.
ઓવૈસી ફરી હૈદરાબાદ બેઠક પરથી જીત્યા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદ બેઠક જાળવી રાખી છે. નેશનલ કોન્ફરન્સના આગા સૈયદ રૂહુલ્લા મેહદીએ શ્રીનગર લોકસભા સીટ પર જીત મેળવી છે. નેશનલ કોન્ફરન્સના નેતા મિયાં અલ્તાફે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને અનંતનાગ-રાજૌરીથી હરાવ્યા હતા. લદ્દાખમાં, અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફા 27,862 મતોના માર્જિનથી જીત્યા, જ્યારે અન્ય એક અપક્ષ ઉમેદવાર અબ્દુલ રશીદ શેખે જમ્મુ અને કાશ્મીરની બારામુલા બેઠક પર 4.7 લાખ મતો મેળવીને જીત મેળવી.
બિહારમાં કોંગ્રેસના તારિક અનવરે કટિહાર બેઠક પર જીત મેળવી છે. કોંગ્રેસ પાસે હવે સૌથી વધુ સાત મુસ્લિમ સાંસદો છે, તૃણમૂલ કોંગ્રેસના પાંચ અને સપા પાસે ચાર મુસ્લિમ સાંસદ છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ત્રણ સાંસદો મુસ્લિમ છે.