IPL 2024માં ચાહકોએ આખરે મહેન્દ્ર સિંહ ધોનીને મેદાન પર બેટ પકડીને રમતા જોયો. ધોનીએ 31 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 16 બોલનો સામનો કર્યો હતો. પરંતુ માહીએ આ 16 બોલમાં જ 37 રન બનાવ્યા હતા. ધોનીએ છેલ્લી ઓવરમાં એનરિચ નોર્ક્યાએ ફેંકેલી છેલ્લી ઓવરમાં 20 રન બનાવ્યા હતા. જેમાં ઇનિંગ્સના છેલ્લા બોલ પર સિક્સર પણ સામેલ હતી. જોકે, ધોનીની આ પ્રકારની બેટિંગની ચેન્નાઈના કોચ માઈક હસીએ મેચ પહેલા જ ‘અનુમાન’ કરી દીધું હતું.
ખરેખર 31 માર્ચની સવારે IPLના ઓફિશિયલ ‘X’ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં બેટિંગ કોચ માઈક હસી અને દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ વાત કરી રહ્યા છે. આ દરમિયાન હસીએ એક ભવિષ્યવાણી કરી અને કહ્યું, “મારી આગાહી છે કે ધોની આ મેચની છેલ્લી ઓવરમાં બેટિંગ કરશે. ચાહકો સ્ટેડિયમમાં ઉત્સાહિત થશે અને ધોની સિક્સર ફટકારીને મેચનો અંત લાવશે.
હસીની સચોટ આગાહી
મેચમાં બરાબર એવું જ થયું. ધોની બેટિંગ કરવા મેદાનમાં આવતા જ દર્શકોએ હર્ષોલ્લાસ શરૂ કરી દીધો હતો. ધોનીએ નોરક્યાએ ફેંકેલી આખી ઓવર રમી હતી. જેમાં તેણે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જેમાં મેચના છેલ્લા બોલ પર સિક્સર આવી હતી. ધોનીએ આ મેચમાં 16 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જો કે તે પોતાની ટીમને મેચ જીતાડવી શક્યો નહોતો.
મેચમાં શું થયું?
જો આપણે મેચના ટૂંકા સ્કોરની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સને ધમાકેદાર શરૂઆત અપાવી અને 9.3 ઓવરમાં 93 રનની ભાગીદારી કરી. વોર્નરે 35 બોલમાં 52 અને શોએ 27 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઋષભ પંતે 32 બોલમાં 51 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 191 રન સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ તરફથી મતિષા પથિરાનાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન જ બનાવી શકી હતી. ઓપનર રુતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર કંઈ ખાસ કરી શક્યા ન હતા. ડેરેલ મિશેલ અને રહાણે વચ્ચે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાઈ હતી. પરંતુ ભાગીદારી થોડી ધીમી હતી. રહાણેએ 30 બોલમાં 45 રન જ્યારે મિશેલે 26 બોલમાં 34 રન બનાવ્યા હતા. ધોની સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. જાડેજાએ 17 બોલમાં 21 રન જ્યારે શિવમ દુબેએ 17 બોલમાં 18 રન બનાવ્યા હતા.