મહેન્દ્ર સિંહ ધોની એ પસંદગીના ખેલાડીઓની યાદીમાં સામેલ છે જે IPLની પ્રથમ સિઝનથી રમી રહ્યા છે. CSK સિવાય ધોની IPLમાં રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે. ધોનીએ લગભગ 17 વર્ષની IPL કરિયરમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શું તમે જાણો છો કે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેચ ઝડપનારા ખેલાડીઓની યાદીમાં પણ મહેન્દ્ર સિંહ ધોની ટોપ પર છે? આ સિવાય પણ ઘણા મોટા રેકોર્ડ કેપ્ટન કૂલના નામે છે.
IPLના આ મોટા રેકોર્ડ ધોનીના નામે છે
મહેન્દ્ર સિંહ ધોનીએ IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન આઉટ કર્યા છે. ઉપરાંત તે IPLમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારા વિકેટ-કિકર્સમાં ટોચ પર છે. આ રીતે આંકડા દર્શાવે છે કે ધોનીના નામે IPLના ઘણા મોટા રેકોર્ડ છે. આ ઉપરાંત, એક બેટ્સમેન તરીકે આઈપીએલમાં ધોનીના આંકડા આશ્ચર્યજનક છે. ધોનીએ અત્યાર સુધી IPLની 251 મેચ રમી છે, જેમાં તેણે 135.92ની સ્ટ્રાઈક રેટ અને 38.79ની એવરેજથી 5082 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ધોનીના નામે 24 અડધી સદી છે. જ્યારે સર્વોચ્ચ સ્કોર 87 રનનો છે.
આઈપીએલ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની
શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ધોનીએ 1 બેટ્સમેનને રનઆઉટ કરતી વખતે 2 કેચ લીધા હતા. તમને જણાવી દઈએ કે ધોનીની ગણતરી IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. જોકે હવે ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. ધોનીની જગ્યાએ યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.