હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડશે. સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તો આગામી ત્રણ દિવસ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે. ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. એટલે કે ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થવા જઈ રહી છે. જે સ્થળોએ અત્યાર સુધી સારો વરસાદ થયો નથી ત્યાં પણ તેની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં 23 જુલાઈએ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા મંગળવારે એટલે કે 23 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહિસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વરસાદને કારણે તબાહી! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ સર્જી તારાજી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં
આ જિલ્લાઓમાં 24 જુલાઈએ વરસાદ પડશે
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 24 જુલાઈએ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
25 જુલાઈએ કયા જિલ્લામાં વરસાદ પડશે?
25 જુલાઈની આગાહીની વાત કરીએ તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
26 જુલાઈએ વરસાદની આગાહી
26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, વલસાડ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોઈ આગાહી નથી.
શું છે અંબાલાલ પટેલની આગાહી?
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળના ઉપરવાસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે જણાવ્યું હતું કે 24મી જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. 23-24 જુલાઈના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે.