રાજ્યમાં ઉત્તર-ઉત્તર દિશાના પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ભીષણ ગરમીને કારણે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આગામી ચાર દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે તેઓ અસ્વસ્થતા અનુભવશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હવે ગરમી ધીમે ધીમે વધશે. 24 માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં ફેરફાર થશે. 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી શકે છે.
૧૯ એપ્રિલથી હવામાન ફરી બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ૨૦ એપ્રિલથી ગરમી વધી શકે છે અને ૨૬ એપ્રિલથી કાળઝાળ ગરમી શરૂ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ૪૨ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.