રાજ્યમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 110 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મેંદરડામાં 12 ઇંચથી વધુ પડ્યો છે. વંથલી અને કેશોદમાં 9 ઇંચ, કુતિયાણા, મહુવા, કપરાડા, પોરબંદરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. માણાવદર અને તાલાલામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે 10 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
મેંદરડામાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અલીધ્રા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કોઝવે પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે ઘરોમાં પાણી ઘૂસી જવાથી લોકો ચિંતિત અને પરેશાન છે.
બીજી તરફ, મેંદરડાના દાત્રાણામાં ભારે વરસાદ પડ્યો છે. દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મેંદરડા તરફ જતો રસ્તો છલકાઈ ગયો છે. મેંદરડાના દાત્રાણા ગામમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. જ્યાં મધુવંતી નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. વંથલી તાલુકાના બંધા ગામમાં પાણી ઘૂસી ગયું છે. ગામમાં પાણી વહેતું હોવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. ગ્રામજનો દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
કેશોદનું માધરવાડા ગામ સંપર્કવિહોણું બન્યું છે. જ્યાં વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા છે. ગ્રામજનોએ વહીવટીતંત્રને જાણ કરી છે. વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે.