ગુરુવારે એક અભ્યાસમાં જણાવાયું છે કે નરેન્દ્ર મોદી સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવવામાં આવેલા શૌચાલયોએ દર વર્ષે 60 થી 70 હજાર નવજાત શિશુઓના મૃત્યુને રોકવામાં મદદ કરી છે. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા શૌચાલયોની વધેલી ઍક્સેસ અને 2000 થી 2020 સુધીમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુદરમાં ઘટાડો વચ્ચેના સંબંધની તપાસ કરવામાં આવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ અમેરિકાની ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ 20 વર્ષમાં 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 600 થી વધુ જિલ્લાઓને આવરી લેતા રાષ્ટ્રીય સ્તરે ડેટાનું વિશ્લેષણ કર્યું છે. અભ્યાસ મુજબ જિલ્લા કક્ષાએ શૌચાલયની પહોંચમાં 10 ટકાનો સુધારો થયો છે, બાળ મૃત્યુદરમાં 0.9 પોઈન્ટનો ઘટાડો અને પાંચ વર્ષથી ઓછી વયના મૃત્યુદરમાં 1.1 પોઈન્ટનો ઘટાડો થયો છે.
અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે ભારતમાં શૌચાલયની પહોંચ અને બાળકોના મૃત્યુ વચ્ચે વિપરીત સંબંધ છે. તેમણે કહ્યું કે જો કોઈ જિલ્લામાં શૌચાલયના કવરેજમાં 30 ટકા કે તેથી વધુ સુધારો થાય તો બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય છે. અભ્યાસ મુજબ, આ સુધારાઓ રાષ્ટ્રીય સ્વચ્છતા કાર્યક્રમના કારણે થયા છે.