બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની T20 અને ODI શ્રેણીમાં બાઉન્સ બેક થવાની આશા રાખશે. ઘરઆંગણે રમાયેલી સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એન્ટ્રી કરવાની છે.
ICCની આ ઈવેન્ટ પાકિસ્તાનમાં 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. ભારતે પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી હતી અને હવે તે તેની મેચ દુબઈમાં રમશે. રોહિત શર્માને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતના કેપ્ટન તરીકે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2024 T20 વર્લ્ડ કપ જીત્યાના થોડા દિવસો બાદ આની જાહેરાત કરવામાં આવી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું વાઈસ કેપ્ટન કોણ હશે તેને લઈને મીડિયામાં ઘણા સમાચાર છે. T20 વર્લ્ડ કપ પછી શુભમન ગિલને ભારતના નેતૃત્વ જૂથમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેને વ્હાઈટ-બોલ ટીમોના વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યા જે 2024 વર્લ્ડ કપ અને 2023 ODI વર્લ્ડ કપમાં રોહિતનો ડેપ્યુટી હતો. તેને સાઈડલાઈન કરવામાં આવ્યો હતો. હવે એવું લાગે છે કે શુભમનને પણ આ જવાબદારી આપવામાં આવશે નહીં.
અહેવાલ આપ્યો છે કે આગામી ટુર્નામેન્ટ માટે ODI ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. TOI અનુસાર, ભારતીય ટીમનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતનો વાઇસ કેપ્ટન હશે. બુમરાહ 2022 ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં વાઇસ-કેપ્ટન હતો. તેણે 2023માં આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝમાં પણ કેપ્ટનશીપ કરી છે.
તાજેતરની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમની કમાન સંભાળનાર જસપ્રિત બુમરાહે વર્ષ 2022માં ઈંગ્લેન્ડમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં કેપ્ટનશિપની શરૂઆત કરી હતી. બીસીસીઆઈ આ અઠવાડિયે ઈંગ્લેન્ડ સામે રમાનાર સીરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી શકે છે. બુમરાહને સમગ્ર ઈંગ્લેન્ડ શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે.