ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સુરત, કપરાડા, પલસાણા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્ર ઝોનના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે અને ગુજરાતના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમનો ખતરો છે, અને આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકાઓમાં મુશળધાર વરસાદ થયો છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર હાલમાં પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કેટલાક ગામો હજુ પણ જળબંબાકાર છે, જેના કારણે શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજાઓ છે. હવે આ બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ખતરાના સંકેત આપ્યા છે. જાણો અંબાલાલ પટેલે શું કહ્યું…
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરી હતી કે સિસ્ટમની અસર કચ્છ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અખાતમાંથી જોવા મળી શકે છે, વધુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદની ધરીની ઉત્તર-પૂર્વીય હિલચાલને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળની ખાડીનું સરક્યુલેશન સક્રિય થઈ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડા વાદળો રચાયા છે. પ્રશાંત મહાસાગર પર વાદળો હાલમાં ઓછા છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ દેખાઈ રહ્યા છે. વાતાવરણમાં વાતાવરણીય તરંગો નબળી દિશામાં હોય છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બંગાળની ખાડીમાં અમુક અંશે એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે 26 અને 30 જુલાઈએ સિસ્ટમ સક્રિય થશે. ત્રણ સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં વરસાદ આવશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછા દબાણને કારણે ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ભારેથી અતિભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.