મોદી સરકાર 3.0 નો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 7:30 વાગ્યે યોજાનાર છે. ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવશે તે થોડા કલાકોમાં સ્પષ્ટ થશે. હાલમાં સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ અને મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી બનવાના છે. તો ગુજરાતના રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળવાની અપેક્ષા છે. તો મોદી સરકાર 3.0માં પરષોત્તમ રૂપાલા કેબિનેટમાંથી બહાર થઈ શકે છે. તેમને ફરીથી કેબિનેટમાં સામેલ કરવાની કોઈ શક્યતા નથી.
આ સિવાય સૂત્રોનો દાવો છે કે ગુજરાતના રાજ્યસભા સાંસદ અને હાલના બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. તેથી હાલના ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં લેશે કે તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે યથાવત રહેશે તે કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અથવા વલસાડના સાંસદ ધવલ પટેલમાંથી એકને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટમાં શપથ લેવાની માહિતી થોડીવાર પછી તે સાંસદને આપવામાં આવશે.