ખાલિસ્તાન તરફી પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) ના સ્વયં-ઘોષિત વડા ગુરુપતવંત સિંહ પન્નુએ જાન્યુઆરી 2025 થી ભારતમાં શરૂ થનારા કુંભને નિશાન બનાવવાની ધમકી આપી છે. પ્રતિબંધિત સંગઠન SFJએ સોમવારે ધમકી આપી હતી કે તે આવતા વર્ષે યુપીના પ્રયાગરાજમાં યોજાનાર ‘મહા કુંભ 2025’ને નિશાન બનાવશે.
SFJના વડા અને નિયુક્ત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે આ ‘મોદીની હિન્દુત્વ વિચારધારા’ને પડકારવા માટે છે. તેમણે ઈસ્કોનના પાદરીની ધરપકડ કરવા બદલ બાંગ્લાદેશના પીએમની પણ પ્રશંસા કરી હતી.
ગુરપતવંત સિંહ પન્નુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે SFJ કેનેડાને બાંગ્લાદેશ મોડલને અનુસરવા અને ઈન્ડો-કેનેડિયન હિન્દુત્વ સંગઠનો અને હિન્દુ મંદિરો પર લગામ લગાવવા અપીલ કરે છે. પન્નુએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને ‘ટાર્ગેટ’ કરવા US$25,000નું ઈનામ પણ ઓફર કર્યું હતું.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પન્નુ પર ગુનાહિત ષડયંત્ર, ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ વિવિધ ગુનાઓનો આરોપ મૂક્યો છે.
અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવતા પન્નુને જુલાઇ 2020માં ગૃહ મંત્રાલયે દેશદ્રોહ અને અલગતાવાદના આરોપમાં આતંકવાદી જાહેર કર્યો હતો. કારણ કે તે SFJના નેતા છે. આ સંગઠન એક અલગ સાર્વભૌમ શીખ દેશની હિમાયત કરતું જૂથ છે. ભારતે ‘રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક’ પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ SFJ પર ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે પ્રતિબંધ મૂક્યો છે.