ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની સૌથી લેટેસ્ટ આગાહી; જાણી લો કયા જિલ્લામાં છે હાઈ એલર્ટ

ગુજરાતમાં હાલમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતીઓ માટે…

ગુજરાતમાં હાલમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવી નથી. આગામી સાત દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરી છે. શુક્રવાર, 22 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 23 મે, શનિવારના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે નવી આગાહી વ્યક્ત કરી છે. તેમના મતે, આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે અને ચોમાસા પહેલાની પ્રવૃત્તિ પણ સક્રિય થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ઝરમર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે, તેમણે કહ્યું કે 22 થી 24 મે દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

હવામાનશાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા પહેલાની પ્રવૃત્તિ હેઠળ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાનમાં આ ફેરફારને કારણે રાજ્યમાં ગરમીની અસર થોડી ઓછી થવાની શક્યતા છે. જોકે, 27 મે પછી ગરમી ફરી વધી શકે છે. અંબાલાલ પટેલે પરંપરાગત હવામાન ચક્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો રોહિણી નક્ષત્ર ગરમ હોય તો તે સારો માનવામાં આવે છે અને રોહિણી નક્ષત્ર પૂર્ણ થવા દરમિયાન પડતો વરસાદ ખેતી માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમણે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 1 થી 5 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે 8 થી 15 જૂન દરમિયાન ગુજરાતમાં બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે 15 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદની મોસમ શરૂ થઈ શકે છે અને ત્યારબાદ આદ્રા નક્ષત્ર દરમિયાન એટલે કે 23 જૂન પછી સારો વરસાદ પડવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં હાલમાં રચાયેલી સિસ્ટમ અને પવનોને કારણે ચોમાસાની ગતિ થોડી ધીમી પડી ગઈ છે. જોકે, અરબી સમુદ્રમાં આ સિસ્ટમ ઓમાન તરફ આગળ વધતાં ચોમાસું ફરી ગતિ પકડશે. તેમની આગાહી મુજબ, ચોમાસુ 26 મે થી 1 જૂન વચ્ચે કેરળ કિનારા પર પહોંચી શકે છે. નિકોબાર ટાપુઓ પર 23 મે સુધી ભારે વરસાદ પડી શકે છે, જે ચોમાસાની ગતિવિધિ માટે એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *