રૂપાલા વિવાદને કારણે લોકસભાની ચૂંટણી પહેલા બંને સમુદાયો સામસામે આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવે ક્ષત્રિયો ઝુકવાના મૂડમાં નથી એ વાત સામે પાટીદારો સામે આવ્યા છે. રૂપાલાના સમર્થકોએ હવે સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી, હવે રાજકોટમાંથી લાગેલી આગ આગામી દિવસોમાં સમગ્ર દેશમાં પ્રસરે તો નવાઈ નહીં. આ આગ પર કોણ પેટ્રોલ ઠાલવી રહ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે. દિલ્હી હાઈકમાન્ડનું મૌન ગુજરાતમાં પણ ચર્ચામાં આવ્યું છે. રૂપાલાને હટાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિયો રૂપાલાને કોઈપણ ભોગે માફ કરવા તૈયાર નથી.
રાજકોટની આગ આખા દેશમાં ફેલાઈ જશે
બસ એક જ માંગ, રૂપાલાની ટિકિટ કેન્સલ કરો. બીજી તરફ પરષોત્તમ રૂપાલા સામે ચક્કાજામ કરવા ખુદ પાટીદારો મેદાનમાં ઉતર્યા છે. એક-બે વખત માફી માંગવા છતાં આવો વિરોધ યોગ્ય ન હોવાનું કહેતા પાટીદારોએ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ મૂકીને જંગ શરૂ કર્યો હતો. ત્યારે હવે પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ રૂપાલાનો વિરોધ થવાની ધારણા છે. વિરોધમાં રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ક્ષત્રિયો જોડાય તેવી ચર્ચા છે.
પાટીદારોએ રાજપૂતોનો સામનો કર્યો
પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આખરે પાટીદારો આવ્યા છે. આ માટે આજે સાંજે રાજકોટમાં પાટીદારોની ચિંતન સભા યોજાશે. કડવા અને લેઉવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને આગેવાનોને આમંત્રણ છે. માફી માંગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
પરસોતમ રૂપાલાના સમર્થનમાં સૌરાષ્ટ્ર એસપીજી આવ્યું
સૌરાષ્ટ્ર એસપીજી પ્રમુખ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પરસોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે. પરસોત્તમ રૂપાલાની માફી માંગવા છતાં વિરોધ કરી રહેલી SPG રૂપાલાના સમર્થનમાં આવી છે. તેમણે કહ્યું કે, પરસોતમ રૂપાલાને હવે ક્ષત્રિય સમાજે માફ કરી દેવો જોઈએ. ક્ષત્રિય સમાજની નારાજગી રાજકીય રંગ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. SPG પરસોતમ રૂપાલાને શક્ય તમામ રીતે મદદ કરશે. ટીકીટ કેન્સલ ન થાય તે માટે પ્રયાસ કરાશે, ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્ચેના ઓડિયો અંગે પોલીસને આવેદન અપાશે.