:આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા વચ્ચે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના મતે, 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલના મતે, 28 થી 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે રાજ્યના મુખ્ય શહેરો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ, ખાસ કરીને સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાનમાં થઈ રહેલા ફેરફારને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય થશે અને ઘણા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 23 જૂનથી ચોમાસાની ગતિ થોડી વધી છે, જેના કારણે ગઈકાલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારને ચોમાસાએ આવરી લીધો હતો. ચોમાસાએ તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારોને આવરી લીધા છે. ગુજરાતની વાત કરીએ તો, મુંબઈમાં વરસાદ પડ્યા બાદ, એક અઠવાડિયા પછી ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. એટલે કે, ચોમાસું સત્તાવાર રીતે 1 જુલાઈની આસપાસ ગુજરાતમાં પ્રવેશી શકે છે, કારણ કે ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન પ્રવૃત્તિના ભાગ રૂપે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગુજરાતમાં હાલમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય હોવાથી, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 23 જૂને, મુંબઈમાં ચોમાસાએ મોટી એન્ટ્રી કરી હતી.
હવામાન વિભાગે જુલાઈના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાના પ્રવેશની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, ચોમાસાની ગતિ ધીમી હોવાથી ચોમાસાના પ્રવેશ સાથે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા ઓછી છે. એટલે કે, ચોમાસાને ગુજરાતને આવરી લેવામાં સમય લાગી શકે છે. આ સાથે, બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતા છે. જેના કારણે 2 થી 3 જુલાઈની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠ, થરાદમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
