બિઝનેસ ડેસ્ક: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 5 ઓગસ્ટ, 2016ના રોજ જારી કરાયેલા સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) માટે ફાઈનલ રિડેમ્પશન પ્રાઈસ ઘોષિત કરી છે, જે બોન્ડ ધારકોને 122 ટકાનો નફો આપે છે. આ બોન્ડ ઓગસ્ટ 2016માં 3,119 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે જારી કરવામાં આવ્યા હતા. SGBમાં રોકાણ કરનારા રોકાણકારોને 8 વર્ષમાં તેમના રોકાણ પર લગભગ 122.44 ટકા વળતર મળશે.
RBI એ જણાવ્યું કે SGB ની રિડેમ્પશન કિંમત રિડેમ્પશન તારીખ પહેલાના અઠવાડિયા (સોમવાર-શુક્રવાર) માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA) દ્વારા જારી કરાયેલ 999 શુદ્ધતાના સોનાની બંધ કિંમતની સરળ સરેરાશ પર આધારિત છે. આ આધારે, 5 ઓગસ્ટ, 2024ના રોજ અંતિમ રિડેમ્પશન માટે રિડેમ્પશન કિંમત 29 જુલાઈ-2 ઓગસ્ટ, 2024ના સપ્તાહ માટે સોનાની બંધ કિંમતની સરળ સરેરાશના આધારે યુનિટ દીઠ રૂ. 6,938 હશે.
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરિન ગોલ્ડ બોન્ડ એ સરકારી સિક્યોરિટીઝ છે, જે સરકાર વતી કેન્દ્રીય બેંક RBI દ્વારા જારી કરવામાં આવે છે. આ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચવામાં આવે છે. રોકાણકારોને સોવરિન ગોલ્ડ બોન્ડમાં 2.5 ટકા વાર્ષિક વ્યાજ પણ મળે છે, જે આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કરપાત્ર છે. આમાં ઓછામાં ઓછું એક ગ્રામ સોનાનું રોકાણ કરવું પડશે. કોઈપણ વ્યક્તિગત અને હિંદુ અવિભાજિત કુટુંબ મહત્તમ 4 કિલો સુધીના સોનાના બોન્ડ ખરીદી શકે છે, જ્યારે ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે મહત્તમ મર્યાદા 20 કિલો છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સંયુક્ત રીતે અથવા સગીરના નામે ખરીદી શકાય છે. બોન્ડની પાકતી મુદત 8 વર્ષ છે અને લોક-ઈન પીરિયડ 5 વર્ષ છે. બોન્ડ ખરીદ્યાના 5 વર્ષ પછી આગામી વ્યાજની ચુકવણીની તારીખે અકાળે રિડીમ કરી શકાય છે. જો જરૂરી હોય તો, રોકાણકાર સોવરિન ગોલ્ડ બોન્ડ સામે લોન પણ લઈ શકે છે.
ઓછામાં ઓછા 12% વળતરની સરકારની ખાતરી
તાજેતરના બજારના ઘટાડા અને બજેટ 2024માં સોના પરની કસ્ટમ ડ્યૂટીમાં 9 ટકાના ઘટાડાથી SGB રોકાણકારોમાં ચિંતા જોવા મળી છે. રોકાણકારોને ડર છે કે ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરવાથી ઓછું વળતર મળી શકે છે. જો કે, મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ 30 જુલાઈએ ખાતરી આપી હતી કે SGB ઓછામાં ઓછું 12 ટકા વળતર આપશે.