વાવ વિધાનસભા પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. ભારે રસાકસી વચ્ચે વાવમાં ભાજપનો જંગી વિજય થયો છે. વાવ પેટાચૂંટણીના પરિણામોમાં છેલ્લી ઘડી સુધી દમ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતોથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પર વાવ માટે વિજય ચિન્હ બતાવીને જીત અંગે ખુશી વ્યક્ત કરી છે.ત્યારબાદ ગાંધીનગર કમલમ ખાતે ભારત માતા કી જયના નારા સાથે વિજયોત્સવનો પ્રારંભ થયો છે. વાવના પરિણામો બાદ કમલમ કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
વાવ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે.ભાજપના સ્વરૂપજી ઠાકોર 2500થી વધુ મતોની લીડથી જીત્યા છે. 13 નવેમ્બરે મતદાન થયા બાદ આજે તમામની નજર તેના પર હતી. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે 20 રાઉન્ડથી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવીને જીત મેળવી છે.
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં વાવ, સુઇગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બૂથ પર 70.54% મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોમાંથી 2 લાખ 19 હજાર 266 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરૂષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કુલ 321 બુથ પર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ભારે ઉત્તેજના બાદ આખરે વાવ બેઠક પર ભાજપનો ભગવો વિજયી થયો છે.