Politics News: લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે દિલ્હીમાં રોડ શો યોજ્યો હતો. સુનીતા કેજરીવાલે દિલ્હીના તિલક નગરમાં રોડ શો કર્યો હતો.
આ રોડ શો દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું હતું કે, ‘ ભારતની પુત્રી હોવાના નાતે હું તમને લોકશાહી બચાવવા માટે તાનાશાહી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરતી રહી છું.’ આ રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પૂછ્યું કે શું આ લોકો કેજરીવાલને 10 વર્ષ સુધી જેલમાં રાખશે?
સુનીતા કેજરીવાલના આ રોડ શોનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર આમ આદમી પાર્ટીના ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે. સુનીતા કેજરીવાલને શુભેચ્છા પાઠવતા AAP સમર્થકો પણ ભીડમાં જોવા મળી રહ્યાં છે. રોડ શો દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું, ‘તેઓએ તમારા મુખ્યમંત્રી અને મારા પતિ અરવિંદ કેજરીવાલને એક મહિના સુધી જેલમાં રાખ્યા છે. કોઈપણ અદાલતે તેને દોષિત ઠેરવ્યા નથી. એક તો જેલમાં નાખી દીધા અને ઉપરથી તપાસ ચાલી રહી છે તેમ કહી રહ્યા છે. જો તપાસ ચાલી રહી છે તો શું તેને દસ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે?
સુનીતા કેજરીવાલે કહ્યું કે પહેલા કોઈપણ વ્યક્તિ ત્યારે જ જેલમાં જતો જ્યારે કોર્ટ તેને દોષિત ગણાવતી. હવે તેમની નવી સિસ્ટમ આવી છે કે જ્યાં સુધી તપાસ કે ટ્રાયલ ચાલુ નહીં થાય ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવશે. આ સાવ ગુંડાગીરી અને સરમુખત્યારશાહી છે. અરવિંદ કેજરીવાલને છેલ્લા 22 વર્ષથી ડાયાબિટીસ છે અને તેઓ દરરોજ ઇન્સ્યુલિન લે છે. જ્યારે તે જેલમાં ગયા ત્યારે તેનું ઈન્સ્યુલિન બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તેમની કિડની અને લીવર બંનેને નુકસાન થશે. આ માટે કોર્ટમાં પણ જવું પડ્યું. શું તેઓ કેજરીવાલને ખતમ કરવા માગે છે?
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે. સુનીતા કેજરીવાલ મહાબલ મિશ્રાના સમર્થનમાં પ્રચાર કરી રહી હતી. આ દરમિયાન સુનીતા કેજરીવાલે કહ્યું કે તમારા મુખ્યમંત્રી સિંહ છે અને તેઓ કોઈનાથી ડરતા નથી. સુનીતા કેજરીવાલે કહ્યું અરવિંદ કેજરીવાલની શું ભૂલ છે? તેઓ મફતમાં વીજળી આપતા હતા, પહેલા દિલ્હીમાં પાવર કટ થતો હતો પરંતુ હવે દિલ્હીમાં 24 કલાક વીજળી છે. તમારા બાળકો માટે શાળાઓ બનાવવામાં આવી છે. મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવ્યા છે અને હવે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. આ પહેલા સુનીતા કેજરીવાલે પૂર્વ દિલ્હીના કોંડલીમાં રોડ શો કર્યો હતો.