ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 1 થી 3 માર્ચ દરમિયાન વરસાદ પડી શકે છે. હાલમાં ઈરાન-ઈરાક નજીક સક્રિય થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી વિસ્તરશે. જેના કારણે હળવો વરસાદ પડી શકે છે. રાજ્યના ખેડૂતોની ચિંતા ફરી એકવાર વધી છે. હવામાન વિભાગે 1 અને 2 માર્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ઘણી જગ્યાએ પવનની દિશા ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ તરફ બદલાશે.
માર્ચમાં અમદાવાદમાં હળવો વરસાદ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ ન થતાં સરેરાશ તાપમાનમાં વધારો થયો છે. વાદળી વાતાવરણને કારણે ગરમીનો અનુભવ થતો નથી. જો કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે.
ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે તે અંગે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ
1 અને 2 માર્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં, ખેડૂતો તેમના પાકને ઉતારીને બજારમાં વેચવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન કમોસમી વરસાદ ખેડૂતોના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે.