બુધવારે રાત્રે બ્રિટિશ કોલંબિયાના સરેમાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત KAP’S CAFE પર ગોળીબાર થયો હતો. કપિલે તાજેતરમાં જ આ કાફે ખોલ્યો છે. કાફે પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જોકે, આમાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. હાલમાં પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ રાત્રિના અંધારામાં કાફે પર ગોળીબાર કરી રહ્યો છે. આ વ્યક્તિ કારમાં બેસીને આડેધડ ગોળીબાર કરતો જોવા મળે છે.
ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ હુમલાની જવાબદારી લીધી
હવે આ કેસમાં મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીનું નામ સામે આવ્યું છે. આ હુમલાની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ લીધી છે. હરજીત સિંહ લડ્ડીએ કપિલ શર્માના કોઈ જૂના નિવેદનને કારણે આ હુમલો કર્યો છે. હરજીત સિંહ લડ્ડી NIA ની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં છે. તે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે.
કપિલ શર્મા તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી
હાલમાં આ મામલે કપિલ શર્મા કે તેની ટીમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જોકે, પોલીસ અને ફોરેન્સિક ટીમ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોલીસના જણાવ્યા અનુસાર, કપિલના કાફે પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કાફેમાં ગોળીઓના નિશાન છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે.