GST કાઉન્સિલની બેઠક શનિવારે (22 જૂન) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક બાદ સીતારામને કહ્યું કે આજે 53મી GST કાઉન્સિલની બેઠકમાં કરદાતાઓને રાહત આપવા માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
સીતારમણે કહ્યું કે ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ જેવી સેવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. મતલબ કે આગામી દિવસોમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટ સસ્તી થશે.
GST કાઉન્સિલની 53મી બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કાઉન્સિલે ટેક્સ ડિમાન્ડ નોટિસના દંડ પર વ્યાજ માફ કરવાની ભલામણ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, GST કાઉન્સિલે તમામ દૂધના ડબ્બા પર 12 ટકાના સમાન દરની ભલામણ કરી છે. GST કાઉન્સિલે એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે કર સત્તાવાળાઓને રૂ. 20 લાખ, હાઇકોર્ટ માટે રૂ. 1 કરોડ અને સુપ્રીમ કોર્ટ માટે રૂ. 2 કરોડની મર્યાદાની ભલામણ કરી છે.
નાણામંત્રીએ કહ્યું કે નકલી ઈનવોઈસને રોકવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને તબક્કાવાર દેશભરમાં લાગુ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બાકીના એજન્ડા પર ચર્ચા કરવા માટે કાઉન્સિલની આગામી બેઠક ઓગસ્ટમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.