રવિવારે ઓડિશામાં એક મોટી રેલ્વે દુર્ઘટના ટળી ગઈ. અહીં કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના પૂર્વ કોસ્ટ રેલ્વેના ખુર્દા ડિવિઝનમાં બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી કે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
રેલવે અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે આ ઘટના રવિવારે સવારે ૧૧:૫૪ વાગ્યે પૂર્વ કોસ્ટ રેલવેના ખુર્દા રોડ ડિવિઝનના કટક-નારગુન્ડી રેલવે વિભાગમાં બની હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે SMVT બેંગલુરુ – કામાખ્યા એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ (૧૨૫૫૧) બેંગલુરુથી ગુવાહાટી જઈ રહી હતી.
ઘટનાની માહિતી મળતા જ રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માત રાહત ટ્રેન અને તબીબી રાહત ટ્રેનને પણ તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રેલવેએ મુસાફરો અને તેમના પરિવારો માટે હેલ્પલાઇન નંબર – 8991124238 જારી કર્યો છે.
ઘણી ટ્રેનોના રૂટ બદલાયા
આ અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
૧૨૮૨૨ ધોલી એક્સપ્રેસ૧૨૮૭૫ નીલાચાલ એક્સપ્રેસ૨૨૬૦૬ પુરુલિયા સુપરફાસ્ટ એક્સપ્રેસ
આ ટ્રેનો વૈકલ્પિક રૂટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. રેલ્વે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.