ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ક્રિકેટરો અને ફેન્સ બન્ને પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સિઝનની પ્રથમ મેચ રમાશે. CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ફરી એકવાર પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. આ તેની છેલ્લી સિઝન પણ હોઈ શકે એવી અટકળો પણ ચાલી રહી છે. તે પોતાની ટીમનું નેતૃત્વ કરીને છઠ્ઠી વખત ટ્રોફી જીતાડી શકે છે. આ સિવાય ધોની આગામી સિઝનમાં કેટલાક મોટા રેકોર્ડ પણ બનાવી શકે છે.
- ધોની તેની છઠ્ઠી IPL ટાઇટલ જીતી શકે
42 વર્ષીય એમએસ ધોની IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. ‘કેપ્ટન કૂલ’ ધોનીએ તેની કેપ્ટનશીપ હેઠળ CSKને 5 વખત (2010, 2011, 2018, 2021 અને 2023) IPL ટાઇટલ જીતાડ્યું છે. રોહિત શર્માએ તેની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત (2013, 2015, 2017, 2019 અને 2020) આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું છે. આવી સ્થિતિમાં જો ધોની 2024 IPLમાં ખિતાબ જીતવામાં સફળ રહે છે, તો તે IPLમાં સૌથી વધુ વખત ખિતાબ જીતનાર કેપ્ટન બની જશે.
- CSK માટે 5000 રન સાથે માત્ર બીજો બેટ્સમેન
ધોની 2008માં આઈપીએલની પ્રથમ આવૃત્તિથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે અને ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે CSK માટે રમાયેલી 244 મેચોમાં 38.72ની એવરેજ અને 137.8ના સ્ટ્રાઈક રેટથી 4957 રન બનાવ્યા છે, જેમાં ચેમ્પિયન્સ લીગમાં 449 રન પણ સામેલ છે. આવી સ્થિતિમાં ધોની આગામી સિઝનમાં માત્ર 43 રન બનાવીને CSK માટે 5000 રનનો આંકડો પૂરો કરશે અને આવું કરનાર તે માત્ર બીજો બેટ્સમેન બની જશે. તમને જણાવી દઈએ કે સુરેશ રૈના એવો બેટ્સમેન છે જેમણે CSK માટે સૌથી વધુ 5529 રન બનાવ્યા છે.
- ધોની 250 છગ્ગા પૂરા કરવાની નજીક
ધોનીએ અત્યાર સુધી તેની IPL કરિયરમાં 250 મેચમાં 38.79ની એવરેજ અને 135.91ની સ્ટ્રાઈક રેટ સાથે 5082 રન બનાવ્યા છે. તે હાલમાં લીગમાં સૌથી વધુ રન બનાવનાર સાતમા ક્રમે છે. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી 349 ચોગ્ગા અને 239 છગ્ગા આવ્યા છે. આવી સ્થિતિમાં તેને IPLમાં 250 સિક્સર પૂરી કરવા માટે 11 સિક્સરની જરૂર છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર ક્રિસ ગેલ, રોહિત શર્મા અને એબી ડી વિલિયર્સે 250થી વધુ સિક્સર ફટકારી છે.
- T20 ક્રિકેટમાં 7500 રન
ધોનીએ તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધીમાં 377 મેચ રમી છે, જેમાં તેણે 37.86ની એવરેજ અને 134.49ની સ્ટ્રાઈક રેટથી 7,271 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં માહી 2024 IPLમાં T20 ક્રિકેટમાં પોતાના 7,500 રન પણ પૂરા કરી શકે છે.
- IPLમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન
એમએસ ધોની 2008થી CSK ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. કેપ્ટન તરીકે તેણે અત્યાર સુધીમાં 226 મેચ રમી છે. જેમાંથી તેની ટીમે 133 મેચ જીતી છે અને 91 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 2 મેચ અનિર્ણિત રહી હતી. તેની જીતની ટકાવારી 58.84 હતી. IPL ઈતિહાસમાં સૌથી વધુ જીત મેળવનાર ધોની કેપ્ટન છે. આ યાદીમાં બીજા સ્થાને MI કેપ્ટન રોહિત શર્મા છે, જેણે 158 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે અને 87 મેચ જીતી છે.