એર ઈન્ડિયાના એક વિમાનનું એક એન્જિન હવામાં બંધ થઈ જવાને કારણે રવિવારે કટોકટીની સ્થિતિમાં દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને બેંગલુરુમાં લેન્ડ કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ ફ્લાઇટ 2820એ રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે પ્લેન બેંગલુરુની પરિક્રમા કર્યાના એક કલાક પછી પરત ફર્યું. એક સૂત્રના જણાવ્યા અનુસાર ‘આ ઘટના રવિવારે બની હતી. અમારી પાસે ટેકનિકલ માહિતી નથી પરંતુ વિમાનને કટોકટીની સ્થિતિમાં લેન્ડ કરવું પડ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે કોઈ અપ્રિય ઘટના બની નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
સવારે 2 વાગે દિલ્હી પહોંચ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ બેંગલુરુથી સાંજે 5.45 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી સાંજે 7.09 વાગ્યે ટેકઓફ થઈ હતી. જો કે, હવામાં પરિભ્રમણ કર્યા પછી, તે 8:11 વાગ્યે બેંગલુરુ પરત ફર્યું, આ પછી આખરે લગભગ 11.47 વાગ્યે વિમાને ફરીથી KIAથી ઉડાન ભરી અને 6 જાન્યુઆરીએ સવારે 2.02 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કર્યું.
મુસાફરોએ આભાર માન્યો
એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, પ્લેનમાં સવાર એક મુસાફરે કહ્યું, ‘એક કલાક ગભરાયા બાદ પ્લેન સુરક્ષિત રીતે બેંગલુરુ એરપોર્ટ પર પાછું લેન્ડ થયું. સુરક્ષિત ઉતરાણ માટે કેપ્ટનનો આભાર. પેસેન્જરે જણાવ્યું કે સુરક્ષાકર્મીઓ આ ઘટનાને લઈને એલર્ટ પર હતા.