રાજસ્થાનને આજે નવા મુખ્યમંત્રીનું નામ મળશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે મળી છે. આ બેઠકમાં નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી છે. બેઠક પહેલા રાજનાથ સાથે તમામ ધારાસભ્યોનું ગ્રુપ ફોટો સેશન થયું. ફોટો સેશન દરમિયાન વસુંધરા રાજે રક્ષા મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુમાં બેઠા હતા.
આ દરમિયાન, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તાત્કાલિક જયપુર પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમજ, અજમેર ઉત્તરના ધારાસભ્ય અનિતા ભદેલ પાછલા દરવાજેથી ધારાસભ્ય દળની બેઠકમાં પહોંચ્યા હતા.
છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ હવે આખરે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેનું નામ સામે આવી ગયું છે. જયપુરમાં યોજાયેલી ધારાસભ્યોની દળની બેઠકમાં ભજન લાલ શર્માને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે ભજન લાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી હશે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેનું તમામ ધારાસભ્યોએ સમર્થન કર્યું હતું.
રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાન્ડેય પર્યવેક્ષક તરીકે પહોંચ્યા હતા. તેમણે જયપુર પહોંચીને વસુંધરા રાજે સાથે વન ટૂ વન બેઠક કરી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. આ બેઠક બાદ જયપુરમાં ભાજપના કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી હતી.