મોંઘવારીનો વધુ એક ફટકો ગુજરાતની જનતાને પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલ અને અનેક આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે. આ દરમિયાન સીએનજીના ભાવમાં વધારો થયો છે. મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના કારણે CNG વાહન ચાલકો પર મોટો બોજ પડશે.
ભાવ કેટલો વધ્યો?
અગાઉ સીએનજીનો ભાવ પ્રતિ કિલો 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
આ ભાવ વધારાના કારણે સીએનજી ચાલકો પર બોજ વધશે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ચાલતી રિક્ષાઓ પર બોજ વધશે. રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે. સાથે જ રિક્ષાનું ભાડું પણ વધશે જેના કારણે મુસાફરોના બજેટ પર અસર પડશે.
ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતા ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજ પડશે.
છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ચાલકોને કોઈને કોઈ કારણોસર વાજબી ભાડું મળતું નથી. ઓનલાઈન કંપનીઓની હરીફાઈ, મેટ્રોની કામગીરીને કારણે રૂટમાં ફેરફાર, જાહેર બસ સેવાના વધારાને કારણે રિક્ષાચાલકોના રોજગાર પર અસર થઈ છે. દરમિયાન ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવાથી રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.