રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર તૈયાર છે. SEOC દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય તેમજ જિલ્લા સ્તરે 24 x 7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે.
રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના જિલ્લાઓ દ્વારા જરૂરી NDRFની કુલ 10 ટીમો, એસ.ડી. આરએફની કુલ 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 5 એન.ડી. આરએફ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.