સોમવારે ઢાકાના ઉત્તરામાં બાંગ્લાદેશ વાયુસેનાનું F7 વિમાન ક્રેશ થયું હતું. વિમાન માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયું. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સે આ ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ફાયર સર્વિસ કંટ્રોલ રૂમના અધિકારી લીમા ખાનમે ઢાકા ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે, “અમને બપોરે 1.18 વાગ્યે માહિતી મળી હતી કે ઉત્તરામાં માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજ નજીક એક વિમાન ક્રેશ થયું છે.”
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે. આમાં, સેનાના સૈનિકો અકસ્માત સ્થળેથી ઘણા ઘાયલ વિદ્યાર્થીઓને લઈ જતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઘણા ઘાયલ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઉત્તરા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ઉત્તરા, ટોંગી, પલ્લબી, કુર્મિટોલા, મીરપુર અને પૂર્વાચલના આઠ ફાયર સર્વિસ યુનિટ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. વિમાનના પાયલોટ મોહમ્મદ તૌકીર ઇસ્લામ વિમાન ક્રેશ થાય તે પહેલાં બહાર નીકળવામાં સફળ રહ્યા હતા કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
ડીએમપી ઉત્તરા ડિવિઝનના ડેપ્યુટી પોલીસ કમિશનર મોહિદુલ ઇસ્લામે મીડિયાને જણાવ્યું: ‘માઇલસ્ટોન કોલેજ વિસ્તારમાં એક તાલીમ વિમાન ક્રેશ થયું છે.’ બચાવ કાર્ય ચાલુ છે. વધુ માહિતી પછીથી આપવામાં આવશે.