આંધ્રપ્રદેશમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાંથી ચોરો 10 કિલો સોનું અને 38 લાખ રૂપિયા રોકડા લૂંટીને ફરાર થઈ ગયા. મંગળવારે એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. ચોરી થઈ ત્યારે બેંકમાં કોઈ સુરક્ષા ગાર્ડ તૈનાત નહોતો.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ ઘટના શ્રી સત્ય સાંઈ જિલ્લાના થુમકુંટા ગામમાં બની હતી. હિન્દુપુર સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) કે વી મહેશે જણાવ્યું હતું કે પોલીસને સોમવારે ચોરીની જાણ થઈ હતી, જે શનિવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. મહેશે પીટીઆઈને જણાવ્યું, “હિન્દુપુર મંડળમાં થુમુકુંતા એસબીઆઈ શાખામાંથી 38 લાખ રૂપિયા રોકડા અને 10 કિલો સોનું ચોરાઈ ગયું છે.”
સીસીટીવી સામે આવ્યા
અધિકારીના જણાવ્યા મુજબ, એવી શંકા છે કે ચોરો લગભગ બે કલાક સુધી બેંકમાં રહ્યા હતા. મહેશના જણાવ્યા મુજબ, બેંકના સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ બેંકમાં પ્રવેશતો જોવા મળે છે. પાછળથી કોઈએ સર્વેલન્સ ફૂટેજ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી, અને પોલીસને શંકા છે કે અન્ય લોકો પાછળથી આવ્યા હશે.
મહેશે કહ્યું, “બેંકમાં એક મોટી બારી છે અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ ઓછી છે. છેલ્લા ચાર વર્ષથી ત્યાં કોઈ ચોકીદાર નથી. તે બારીમાં બે-ત્રણ ગ્રીલ છે જેને તમે સરળતાથી વાળી શકો છો, હાથથી પણ…” ચોરીનો કેસ નોંધ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી છે.